સુરત જિલ્લો મહત્તમ આદિવાસી વસ્તી ધરાવે છે. આ લોકોનું જીવન પશુપાલન સાથે સંકળાયેલું છે. ત્યારે સ્થાનિક ગ્રામ્ય ખેડૂત પશુપાલક આદિવાસીઓ દ્વારા દરેક તહેવારોની પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે. આસો વદ બારસને વાઘબારસ તરીકે ઉજવવામાં આવે છે. ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા આદિવાસી સમાજ દ્વારા જંગલી પશુઓ, માનવ સમુદાય તેમજ પાલતુ જાનવરોના રક્ષણ માટે વાઘ દેવની પૂજા કરવામાં આવે છે. આજે વાઘબારસે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી પશુપાલકો દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી વાઘબારસની ઠેર ઠેર ઉજવણી થઈ હતી.
મહુવા, વાલોડ, બારડોલી, માંડવી, માંગરોળ, ઉમરપાડા, તાલુકાના ગામડાઓમાં વાઘ બારસના દિવસે ચોક્કસ સ્થળે ગાય, ભેંસ કે બકરા ભેગા કરવામાં આવે છે. જ્યાં વાઘ દેવની પહેલેથી જ સ્થાપના કરેલી હોય છે. પશુઓ ચરાવતા ગોવાળોમાંથી બે ગોવાળોને પસંદ કરવામાં આવે છે. એકને વાઘ અને બીજાને ભાલુ બનાવવામાં આવે છે. બંન્નેને વાઘદેવની સામે બેસાડી પૂજા અર્ચના કરવામાં આવે છે.
પૂજા અર્ચનામાં પાનગો ચોખાના લોટમાંથી જાડો રોટલો બે પાનની વચ્ચે મૂકીને શેકેલો રોટલો મૂકવામાં આવે છે. નાળિયેર, કાચા ચોખા, ફુલ વગેરે મૂકવામાં આવે છે. આજે આ પરંપરા પ્રમાણે ગામડાઓમાં વાઘબારસની ભવ્ય ઉજવણી થઈ હતી.
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂત પશુપાલક આદિવાસીઓ વાઘબારસને ભારે શ્રદ્ધા સાથે પૂજન અર્ચન કરીને તેની ઉજવણી કરતા આવ્યા છે. આજે દરેક વિસ્તારોમાં વાઘબારસ ઉજવાઈ હતી. વાઘદેવ પૂજા પૂરી થયા પછી પ્રતીક્ષામાં વાઘ અને માલુડાની પૂજા કરીને બંનેને તિલક કરી સવા રૂપિયો આપવામાં આવે છ. અને ફરતે બીજા બધા ગોવાળો ચેવટા એક પ્રકારનું ફળ, ગોળ, કાકડી
લઈને ઉભા હોય છે. પશુઓને ગોળ ફેરવે અને ભગત ખાસ જંગલમાંથી મેળવેલી ઔષધીનો છંટકાવ કરે છે. એવા ચાર આંટા પૂરા થાય એટલે વાઘ આવ્યાની બુમ પડે છે.અને વચ્ચે બેઠેલા વાઘ અને રીંછ બનેલા ગોવાળો પાનગો લઈને ખુબ ભાગે છે. ત્યારે ગોળ ઉભા રહેલા ગોવાળો વાઘ અને ભાલુને મારવા દોડે છે. અને વાઘ ભાલુ દૂર ભાગી જઈને પાનગો ખાઈને પરત આવે છે. પૂજાના અંત ભાગમાં ઘરે ઘરેથી ઉઘરાવેલા લોટમાં બનાવેલા પાનગો અને દાળ ભાતનું વાઘ બારસની ઉજવણી કરતા લોકો સમુહભોજન કરે છે. પશુ ઉપર છાંટીને વધેલુ ઔષધ પોતે પોતાના ઘરે લઈ જઈ બાકી રહેલા પશુઓ ઉપર છંટકાવ કરવા છુટા પડે છે.
પાનગો વાનગી ફક્ત વાઘબારસનાં દિવસે આરોગવાની રસમ
વાઘબારસના દિવસે ઉજવણી દરમ્યાન આદિવાસી સમાજની ધાર્મિક વિધિ વિધાનમાં પાનગો વાનગી ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના લોટ કે જુવારના લોટને પાણી સાથે મસળી લુદો બનાવી ખાખરાના (કેસુડાના) પાંદડામાં એ લુદાને રોટલા જેવા પ્રમાણસર પહોળો કરી ઉપરથી બીજુ પાંદડુ ઢાંકી અને સળી વડે ફરતે સીવી લઈને અંગારા પર આખેઆખો શેકવામાં આવે છે અને ત્યાર પછી આરોગવામાં આવે છે. વાઘબારસના દિવસે એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હાલના ડિજિટલ યુગમાં અને પાશ્વાત્ય તહેવારોના વળગણને લીધે આદિવાસીઓ ક્યારેક કઠોળ તુવર ભરડતા જે લોટ નીકળે એમાં મસાલો ભેળવી પાણી મસળી લુંદો બનાવી ખાખરાના પાંદડામાં પહોળી ગોળ જાડી રોટલી જેવી અંગારા પર શેકીને આરોગે છે.
સ્રોત : સંદેશ ન્યુઝ પેપર
0 Comments