આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક દેવોની પૂજા કરી વાઘ બારસની ઉજવણી કરવામાં આવી.
પ્રાકૃતિક દેવોની પૂજા કરી વાઘબારસ ઉજવવાની આદિવાસીઓની પરંપરા ગામના પાદરે સ્થાપિત પ્રાકૃતિક દેવી- દેવતા ફરતે ઢોરઢાંખર ફેરવાય છે.તેમના શરીરે ગેરું દ્વારા હાથથી પંજા પાડવામાં આવે છે.
આદિવાસી લોકજીવન પ્રકૃતિ પર નિર્ભર છે. વાંસદાના જંગલોમા વસતા આદિવાસીઓને પોતાના ઢોરઢાંખર ચારવા, ખેતી અર્થે તેમજ વન્ય પેદાશો મેળવવા જંગલમાં અવર-જવર કરવી પડતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ પ્રવૃત્તિમાં તેમને જંગલી પશુઓ અથવા સાપ કે અજગર જેવા સરિસૃપ જીવો સાથે ભેટો થતો હોય છે. આ આપત્તિથી બચવા માટે સાપ, વાઘ તેમજ અન્ય વનસૃષ્ટિ તેમજ કુદરતની ઉપાસના કરતો આવ્યો છે. આપણા આદિવાસીઓમાં પ્રકૃતિ પૂજાની આ પ્રથા આજે પણ ચાલે છે.
ખેરગામના શામળા ફળિયા ખાતે એવો જ તહેવાર વાઘ બારસ કે સ્થાનિક ભાષામાં વાઘ બારહ ઉજવવામાં આવ્યો.વાઘ દેવ ફરતે ઢોર ફેરવે છે તેમજ પાનગા બનાવે છે અને એને હાજર રહેલા લોકોમાં પ્રસાદ સ્વરૂપે વહેંચી દેવામાં આવે છે.
ગામના પાદરમાં સ્થાપન કરેલ વાઘદેવ, નાગદેવ, બરમદેવ જેવાં પ્રાકૃતિક દેવોની પરંપરાગત પૂજા અર્ચના થવી જોઈએ એવી માન્યતા તેઓ ધરાવે છે. આમાંય પોતાની તેમજ પોતાના પાલતુ જાનવરોની સલામતી માટે તેઓ વાઘદેવની પૂજા કરે છે. આ કારણથી વાઘ બારસ નામ આવ્યું હશે એમ કહી શકાય.એક બીજી માન્યતા એવી પણ છે કે આ દિવસે વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હતો એટલે આ બારસને વાઘ બારસ કહેવાય છે. જો કે આનું કોઈ ચોક્કસ પ્રમાણ મળતું નથી.
0 Comments