પૂર્વજો અને ઈષ્ટદેવની કૃપા મેળવવા આદિવાસી સમાજ દ્વારા આદિકાળથી નૈવેદ્ય ધરાવવાની પ્રથા.
કાળીચૌદશ અને દિવાળીએ ખતરાપૂજનની પરંપરા.
ચૌધરી, ઢોડિયા પટેલ, હળપતિ, ગામીત, વસાવા, નાયકા પટેલ, વારલી, કેવડિયા જ્ઞાતિના લોકો દ્વારા પૂજન.
આદિવાસી સમાજે તેમના પૂર્વજો કાળથી ચાલી આવતી પરંપરામાં માનનારો વર્ગ છે. આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના આધુનિક યુગમાં પણ આ રીતિરિવાજો કે ધાર્મિક પ્રસંગો બરકરાર છે, તેને પૂરી શ્રદ્ધાથી મનાવવાનું અને પૂજન અર્ચન કરવાનું આદિવાસીઓની ગળથૂથીમાંથી જ ચાલી આવ્યું છે. દિવાળીના પર્વે તેમાં પણ ધનતેરસ અને કાળીચૌદશ અને
દિવાળીના દિવસે મૃત્યુ પામેલા પૂર્વજો અને ઈષ્ટદેવની કૃપા મેળવવા માટે ખતરા પૂજનની પરંપરા છે. આદિવાસી સમાજનો આ ખૂબ મહત્ત્વનો પ્રસંગ છે. ખાસ કરીને ઢોડિયા પટેલ, નાયકા પટેલ, હળપતિ, ગામીત, વસાવા સહિતની જ્ઞાતિના લોકો દિવાળી પર્વે ખતરાપૂજન કરવાનું ચૂકતા નથી. ખતરા પૂજન એ કેટલેક અંશે આ સમાજમાં અલગ અલગ પરિવારો પોતપોતાની રીતે કરતા હોય છે. આ
દિવાળી પર્વે પણ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસતારોમાં આ પરંપરા ચાલુ રહી છે. દરેક ગામની સીમમાં ખેતરના શેઢે કે પછી પડતર નિર્જન જગ્યા પર પેઢીઓથી કોઈ ઝાડ નીચે ખતરાનું સ્થાપન પૂર્વજો દ્વારા થયેલું હોય છે. તે જ ઠેકાણે પેઢીદર પેઢી સમાજના લોકો અને જે તે પરિવારના વારસો દ્વારા ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળી પર્વ ખતરાનું પૂજન અચૂક કરવામાં આવે છે. આજે પણ સુરત જિલ્લાના
મોટાભાગના આદિવાસી ગામડાઓમાં ખતરા પૂજનની પરંપરા ચાલુ રહેલી જોવા મળી હતી. ખતરા પૂજનમાં મોટેભાગે લોકો પોતાના પરિવારના મૃત્યુ પામેલા પૂર્વજો અને સ્થાપિત પોતાના ઈષ્ટદેવને હર્ષોલ્લાસના પર્વ દિવાળીએ યાદ કરી તેઓને નૈવેદ્ય ધરાવે છે. ખતરાની જગ્યા પર નવી ધજાઓ, શ્રી ફળ, કંકુ, ચોખા, કેટલેક અંશે મરધાની બલી પણ ચઢાવવામાં આવે છે. ખતરા પૂજન કર્યા પછી જ
કેટલાક પરિવારો પોતાના ઘરોમાં શુભ મુહૂર્તનાં કામો કરતા હોય છે તેની સાથે સાથે ખેતરમાંથી નવો પાક લણવાનું અને પાકનો પહેલો ઉતાર આ ખતરાના સ્થળે પ્રસાદીના રૂપમાં મૂકવાની પરંપરા પણ જોવા મળી રહી છે. આમ આજના આધુનિક યુગમાં પણ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી પર્વે મૃત્યુ પામેલા પોતાના પૂર્વજો અને ઈષ્ટદેવને ખતરા પૂજનની પરંપરા જોવા મળી રહી છે.
માહિતી સ્રોત : સંદેશ સમાચરપત્ર
0 Comments